Back to the past days in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | પાછા વળ્યા પાછલા દિવસો - 28

The Author
Featured Books
Categories
Share

પાછા વળ્યા પાછલા દિવસો - 28


શનિવારની વહેલી સવારના

આશરે છ વાગ્યાનો સમય થયો હતો. વાતાવરણમાં હજુ આછો અંધકાર અને ઠંડક પથરાયેલી હતી. મનોજના ભવ્ય અને આલીશાન રૂમમાં એરકન્ડીશનર ચાલુ હોવા છતાં, મનોજ પોતાના વિશાળ બેડ પર અસહ્ય બેચેનીથી પાસાં બદલી રહ્યો હતો. તેના ચહેરા પર ભય અને દર્દના સ્પષ્ટ ભાવાવરણ ઉપસી આવ્યા હતા.

અચાનક, મનોજ પરસેવે રેપજેપ થઈ ગયો!

જાણે તેણે કોઈ સામાન્ય સ્વપ્ન નહીં,

પણ ભૂતકાળની કોઈ ભયાનક હોનારત, ચારેબાજુ ફેલાયેલી આગ, પોતાના વ્હાલાઓને આંખ સામે ગુમાવવાની પીડા અને સમયના ચક્રની કોઈ અસહ્ય વેદના ફરીથી જીવી લીધી હોય!

(આ એક એવું અજ્ઞાત અને ધૂંધળું દર્દ હતું,

જે સમયની રેખાઓ ચીરીને તેના મનમાં ગુંજી રહ્યું હતું.

—જાણે તે આ દુનિયામાં પહેલી વાર ન આવ્યો હોય,

પણ ભૂતકાળના કોઈ અધૂરા અધ્યાયને પૂરું કરવા

પાછો ફર્યો હોય! જોકે, આ રહસ્ય હજુ પડદા પાછળ જ હતું).

પોતાની સામે નજર સમક્ષ બધું બરબાદ થતું જોઈને મનોજ ગભરાઈ ગયો અને તેણે અચાનક જ કાળજું કંપાવી દે તેવી તીવ્ર રાડ પાડી અને બેડ પર ઝાટકા સાથે બેઠો થઈ ગયો, "દીદી...!"

મનોજનો આટલો જોરદાર અવાજ અને કાળજું કંપાવતી રાડ સાંભળીને ઘરની અંદર કામ કરી રહેલી મેડ અને મુખ્ય બટલર કાકા ગભરાઈને દોડતાં દોડતાં મનોજના રૂમમાં આવી ગયા.

બટલર કાકાએ ચિંતાતુર અવાજે તરત જ પૂછ્યું, "શું થયું મનોજ સર? શું થયું?"

મનોજે ઊંડા-ઊંડા શ્વાસ લેતાં પોતાની જાતને માંડ સંભાળી અને ધ્રૂજતા અવાજે કહ્યું, "કાંઈ... કાંઈ નથી થયું, બટલર કાકા... બસ એક ખરાબ સપનું જોયું."

બટલર કાકાએ મનોજના મોં પરથી રૂમાલ વડે પરસેવો લૂછતાં કહ્યું, "પણ સર, તમને આટલો બધો પસીનો કેમ વળી ગયો છે? તમારા આખા કપડાં પલળી ગયા છે! તમારી તબિયત તો બરાબર છે ને?"

મનોજે માથું નકારીને કહ્યું, "ના ના, મારી તબિયત સાવ સારી છે. કાંઈ નથી થયું, તમે જાવ."

એ જ ક્ષણે, પોતાના રૂમમાં જોગિંગ માટે તૈયાર થઈ રહેલી વંશિકાએ પણ મનોજની રાડ સાંભળી હતી. તે પણ ચિંતામાં સબડતી તરત જ દોડતી ઉપર આવી અને મનોજના રૂમમાં દાખલ થઈ. મનોજને આટલી દયનીય હાલતમાં, પરસેવાથી રેપજેપ અને ડરેલો જોઈને વંશિકાના ચહેરા પર પણ ફિકરની રેખાઓ ઊભરી આવી.

વંશિકાએ મનોજની નજીક આવીને પૂછ્યું, "મનોજ! શું થયું? તારી તબિયત તો ઠીક છે ને? આટલો બધો ડરેલો કેમ લાગે છે?"

મનોજે પોતાની આંખો ઊંચી કરીને વંશિકાના ચહેરા સામે એકધારી નજરે જોયું અને તેની બહેન નો હાથ પકડતા  અચાનક જ કંઈક વિચારીને પૂછી બેઠો,

"દીદી... તમે... તમે તો બરોબર છો ને? તમને કશું થયું તો નથી ને?"

વંશિકાએ આશ્ચર્યથી મનોજ સામે જોયું અને હસીને કહ્યું, "અરે પાગલ! મને શું થાય? હું તો એકદમ સાજી સારી બરોબર જ છું! પણ તને શું થયું છે? તેં આવી ડરામણી રાડ કેમ પાડી?"

મનોજને અહેસાસ થયો કે તે અતિશય ભાવુક થઈને શું બોલી રહ્યો છે! ભૂતકાળના એ ભયાનક પડછાયા અને સ્વપ્નની અસરમાંથી બહાર આવતાં તેણે વાત વાળી લેતાં કહ્યું, "ના દીદી, બસ મેં એક બહુ જ ભયંકર અને ખરાબ સ્વપ્ન જોયું હતું, એટલે એકાએક ગભરાઈ ગયો. બીજું કાંઈ નથી."

વંશિકાએ તેની સ્થિતિ જોઈને નરમાશથી કહ્યું, "જો તારી તબિયત સારી ન હોય તો આજે સવારે જોગિંગ પર ન જતો, શાંતિથી આરામ કર."

મનોજે પથારીમાંથી તરત જ ઊભા થઈને કહ્યું, "ના ના દીદી, મને એકદમ સારું છે. હું હમણાં જ ફ્રેશ થઈને આવું છું!" એમ કહીને તે વંશિકાની વધુ તપાસી રહેલી નજરોથી બચવા ઝડપથી વોશરૂમમાં જતો રહ્યો.

વંશિકાને મનોજનું આ અજીબ અને રહસ્યમય વર્તન થોડું શંકાસ્પદ લાગ્યું, પણ તેણે અત્યારે વધુ ચર્ચા ન કરવાનું યોગ્ય માન્યું અને પોતે પણ નીચે જવા નીકળી ગઈ.

થોડી જ વારમાં મનોજ ફ્રેશ થઈને નીચે ડાઇનિંગ ટેબલ પાસે આવ્યો. વંશિકા તેની જ રાહ જોઈ રહી હતી. મનોજને આવતો જોઈને તેણે ફરી પૂછ્યું, "હવે કેવું લાગે છે? તું સાચે જ ઠીક છે ને?"

મનોજે હળવું સ્મિત આપવાનો પ્રયત્ન કરતાં કહ્યું, "હા દીદી, બધું એકદમ મજામાં છે."

પછી મનોજે વંશિકા સામે જોઈને કહ્યું, "દીદી, તમે અત્યારે  ઓફિસે જઈ રહ્યા છો?"વંશિકાએ કહ્યું, "હા, મારે થોડું વહેલું પહોંચવું છે."મનોજ તરત બોલ્યો, "તો પછી હું પણ તમારી સાથે જ આવું છું!"

વંશિકાએ જરા આશ્ચર્યથી કહ્યું, "ના, હું મારી કારમાં જાઉં છું, તું તારી કાર લઈને આવજે ને!"મનોજે આગ્રહ કરતાં કહ્યું, "પણ આપણે બંને એક જ જગ્યાએ તો જઈએ છીએ, તો પછી અલગ બે કાર લઈને શું કામ જવું જોઈએ? આપણે બંને આજે એક જ કારમાં સાથે જઈએ ને!"

વંશિકાને મનોજનો આ અચાનક આવેલો લાડ અને સાથે જવાનો આગ્રહ થોડો અજીબ લાગ્યો, પણ તેણે કોઈ વાંધો ન લીધો. બંને શાંતિથી નાસ્તો પતાવીને એક જ કારમાં ઓફિસ જવા રવાના થયા.

આ બાજુ ઓફિસે પહોંચીને મેનેજર કાકાએ વંશિકાની આગોતરી યોજના મુજબ જતીનને પોતાની કેબિનમાં બોલાવ્યો.

જતીન અંદર આવ્યો એટલે કાકાએ એક મોટી ફાઈલ તેના હાથમાં મૂકતાં કડક અવાજે કહ્યું, "જતીન, આ આપણી બીજી મોટી બ્રાન્ચના ઓડિટ અને અગત્યના ડેટા એન્ટ્રીના કામની ફાઈલ છે. આજ પછી તારે આ મેઈન બ્રાન્ચમાં હાજરી આપવાની નથી. આવતી કાલથી સતત સાત દિવસ સુધી તારે તે બીજી બ્રાન્ચે જવાનું છે અને ત્યાં જ રહીને આ કામ પૂરું કરવાનું છે. આ ફાઈલમાં ત્યાંનું સરનામું અને વિગતો છે. તારી સાથે આપણો બીજો એક સિનિયર સ્ટાફ પણ આ કામ સંભાળશે."

જતીન આ સાંભળીને ચોંકી ગયો! તેને તો જાનવીની આસપાસ મંડરાવાનું હતું, એટલે તેણે તરત જ વિરોધ કરતાં કહ્યું, "પણ કાકા, પેલી બ્રાન્ચ કરતાં મને અહીં જ કંઈક કામ સોંપો ને! મારે આ મેઈન બ્રાન્ચ છોડીને ક્યાંય નથી જવું."

મેનેજર કાકા તેની આ જીદ્દ સાંભળીને સખત ખીજાઈ ગયા અને ટેબલ પર હાથ પછાડીને બોલ્યા, "જતીન! તારે આ કંપનીમાં જોબ કરવી છે કે નહીં? કે પછી અહીંયા તારી મરજી જ ચલાવવાની છે? કંપનીમાં જે કામ અને જે લોકેશન સોંપવામાં આવે, એ તારે કરવું જ પડશે. જો તારી મરજી ન હોય તો તું આજથી જ જોબ મૂકીને ઘરે બેસી શકે છે!"

કાકાને આટલા બધા ગુસ્સામાં જોઈને જતીન ડાયો થઈ ગયો અને ગભરાઈને બોલ્યો, "ના ના ના કાકા, એવું કંઈ નથી! પણ મને આ મેઈન ઓફિસના એન્વાયર્નમેન્ટમાં કામ કરવું વધારે ફાવે છે, એટલે મેં કહ્યું."

મેનેજર કાકાએ કડક શબ્દોમાં સંભળાવ્યું, "તને શું ગમે છે અને શું નહીં, એનો પગાર કંપની નથી આપતી! તને કામનો પગાર મળે છે, ચૂપચાપ આ ફાઈલ લે અને કાલે સવારે સમયસર પેલી બ્રાન્ચે પહોંચી જજે."જતીને નમતું જોખતાં નાછૂટકે ફાઈલ હાથમાં લીધી અને મોં બગાડીને બહાર નીકળી ગયો.

બીજી તરફ, જાનવી પણ પોતાની જોબ પર ટાઈમસર પહોંચી ગઈ હતી. તેને સાંજે રોહનના કેટરિંગના ઓર્ડરમાં મદદ કરવા માટે વહેલું નીકળવું હતું, એટલે તે પોતાની સીટ પર બેસીને ફટાફટ પોતાનું કામ પતાવવામાં લાગી ગઈ હતી.

બપોરના સમયે, મનોજના પપ્પાની તબિયત અસ્વસ્થ હોવાના કારણે વંશિકા તેમને હોસ્પિટલે ખબરઅંતર પૂછવા માટે ગઈ. ડોક્ટરે જણાવ્યું કે પપ્પાની તબિયતમાં ઘણો સુધારો છે અને બે-ત્રણ દિવસમાં રજા મળી જશે.

બીજી તરફ, શનિવારની સાંજે રોહનના કેટરિંગના ઓર્ડર માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. શ્રદ્ધા (જે રોહનની બહેન છે અને સુમિત શેઠ સાથે તેની સગાઈ થઈ છે) પોતાના ભાઈના આ પહેલા મોટા કામમાં મદદ કરવા માટે જવા માટે ઉત્સાહથી તૈયાર થઈ રહી હતી.

પણ જાનવીએ શ્રદ્ધાને જોઈને પ્રેમથી અટકાવી દીધી. જાનવીએ અત્યંત ગંભીરતાથી સમજાવતાં કહ્યું, "શ્રદ્ધા, તું અત્યારે આ કેટરિંગના કામ પર ન આવે એ જ સારું રહેશે. તારી સગાઈ સુમિત શેઠ સાથે થઈ છે. સુમિત શેઠનું ઘર શહેરનું બહુ મોટું અને હાઈ-સ્ટેટસ લોકોનું ઘર છે. જો એમના પરિવારનું કે કોઈ ઓળખીતું માણસ તને અહીં કેટરિંગના કામમાં દોડધામ કરતી જોઈ જશે, તો બિનજરૂરી વાતો થશે અને સુમિત શેઠના પરિવારના સ્ટેટસને ખરાબ લાગશે. આપણે એમના મોભાનું ધ્યાન રાખવું જ પડે."

શ્રદ્ધા પોતાની બહેનની વાત અને સુમિત શેઠના પરિવારના સ્ટેટસની મર્યાદા સમજી ગઈ. તેણે હળવા નિસાસા સાથે કહ્યું, "જાનવી દીદી, તમારી વાત સાચી છે. હું ત્યાં નહીં આવું."જાનવીની મમ્મીએ પણ શ્રદ્ધાને ઘરે રહીને ઘરનું ધ્યાન રાખવા કહ્યું અને પોતે પપ્પા સાથે રોહનની મદદ માટે નીકળી ગઈ.

સાંજ પડી ગઈ હતી અને શહેરના એક ભવ્ય તથા વિશાળ પાર્ટી પ્લોટમાં હાઈ-પ્રોફાઈલ પાર્ટી માટે કેટરિંગનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. ચારેય બાજુ ઝગમગતી રોશની અને મહેમાનોની ચહલપહલ હતી.

આ કેટરિંગનો ઓર્ડર રોહન માટે ખૂબ મહત્વનો હતો. પ્રસંગ સ્થળે માણસો તો પીરસવાનું કામ કરી રહ્યા હતા, પણ ક્યાં શું મેનેજ કરવું તે સલાહ-સુચન માટે રોહનના બધા મિત્રો પોતપોતાની જવાબદારી સંભાળી રહ્યા હતા.

જાનવીએ ત્યાં પહોંચતા જ પ્લાનિંગ કરી દીધું, "રોહન, તું અને તારા દોસ્તો બહાર સર્વિસ સંભાળો, હું અને મનોજ અંદર રસોડું સંભાળીએ છીએ." અંદરથી વાનગીઓ સમયસર બહાર પહોંચે તેની કાળજી જાનવી અને મનોજે લીધી, જ્યારે સેજલે બહાર બુફે કાઉન્ટર પર ધ્યાન રાખી લીધું.

આ પાર્ટીમાં શહેરના ઘણા મોટા લોકો આવ્યા હતા. સુમિત શેઠ, તેમના કાકા અને હોસ્પિટલેથી પપ્પાને મળીને સીધી આવેલી મનોજની બહેન વંશિકા પણ વીવીઆઈપી ટેબલ પર બુફે ડીનર માટે બેઠા હતા. મનોજ પોતાની અસલી ઓળખ છુપાવવા માંગતો હોવાથી બહાર જવાનું ટાળીને અંદર રસોડાના ગરમ માહોલમાં જ જાનવી અને તેના માં-બાપ સાથે રસોઈના કામમાં પરસેવો પાડીને મદદ કરી રહ્યો હતો.

બીજી તરફ, બહાર રોહન કાનમાં બ્લુટૂથ લગાવીને સર્વિસનું ધ્યાન રખાવી રહ્યો હતો. અચાનક સુમિત શેઠનું ધ્યાન રોહન પર ગયું. તેઓ ઊભા થઈને તેની પાસે ગયા અને પ્રેમથી પૂછ્યું, "અરે રોહન, તું અહીં શું કરી રહ્યો છે?"

રોહન શરમાઈને બોલ્યો, "સુમિત શેઠ... આ કેટરિંગનો ઓર્ડર મેં લીધો છે. આ મારો પહેલો મોટો ઓર્ડર છે."સુમિત શેઠે ગર્વથી તેનો ખભો થાપથપાવ્યો અને બોલ્યા, "અરે! એમાં મૂંજાવાની કે શરમાવાની શું જરૂર છે રોહન? તું એકદમ સ્વાભિમાની માણસની જેમ પોતાની મહેનતથી કામ કરી રહ્યો છે! મને ગર્વ છે તારા પર!" આ સાંભળીને રોહનની આંખોમાં ખુશીના જળજળિયા આવી ગયા.

સુમિત શેઠે અંદર જાનવી અને મમ્મી-પપ્પા હોવાની વાત સાંભળીને અંદર મળવા જવાની ઈચ્છા બતાવી, પણ રોહને રસોઈની સ્મેલ કપડાં પર આવી જશે તેમ કહીને બહાર જ જાનવીને બોલાવી લીધી.

જાનવી બહાર આવી એટલે સુમિત શેઠે હસીને કહ્યું, "જાનવી, હવે તું મને 'જીજુ' કહી શકે છે!" જાનવી થોડી સંકોચાઈ ગઈ. ટેબલ પર બેઠેલી વંશિકા આ બધું જોઈ રહી હતી. વંશિકાએ સુમિત શેઠને પૂછ્યું ત્યારે સુમિત શેઠે ગર્વથી કહ્યું કે જાનવી તેમની ફિયાન્સી શ્રદ્ધાની નાની બહેન છે અને બહુ જ સ્વાભિમાની છોકરી છે.

ડીનર પૂરું થયા પછી વંશિકા વોશરૂમ જવાના બહાને અંદર રસોડા તરફ ગઈ. તેણે છૂપી નજરે જોયું તો જાનવી કાળી મજૂરી કરીને પણ પોતાના થાકેલા માં-બાપને પ્રેમથી ખુરશી પર બેસાડીને આરામ કરાવતી હતી. વંશિકાએ એ પણ જોયું કે મનોજ પણ અંદર ગરમ વાસણો અને સામાનની હેરફેર કરીને જાનવીને પૂરા દિલથી મદદ કરી રહ્યો હતો. વંશિકા સંતોષ સાથે પાછી ફરી ગઈ.

સુમિત શેઠ નવરા થતાં જ પોતાની ફિયાન્સી શ્રદ્ધાને ફોન કરીને રોહનના કામના વખાણ કરે છે અને કાલે રવિવારે સાંજે પાંચ વાગ્યે મળવાનો પ્લાન બનાવે છે.

રાત્રે બે વાગ્યે ઓર્ડરનું કામ પૂરું થયું. જાનવીએ મનોજને ઘરે જવા કહ્યું, પણ મનોજે બધા થાકેલા માં-બાપને પોતાની ગાડીમાં ડ્રોપ કરવાનો આગ્રહ રાખ્યો. મનોજ બધાને ઘરે મૂકવા આવે છે. ઘર આગળ જાનવી ગાડી પાસે રોકાઈને મનોજને કૃતજ્ઞતાથી કહે છે, "મનોજ... આજે આટલી મદદ કરી એ બદલ થેંક્યુ સો મચ!"

મનોજે હળવાશથી કહ્યું, "અરે! હું તો મારા દોસ્ત રોહનને સપોર્ટ કરવા આવ્યો હતો."જાનવી હસીને બોલી, "ઓહો! મને એમ કે તું મને સપોર્ટ કરવા આવ્યો છે!"

મનોજે જાનવીની આંખોમાં જોઈને દિલથી કહ્યું, "તને તો હું કાયમ સપોર્ટ જ કરું છું ને, જાનવી! તું જ્યારે પણ મને યાદ કરીશ, હું તારા માટે હાજર જ હોઈશ."મનોજના આ સીધા શબ્દો સાંભળીને જાનવી અચાનક થોડી અસહજ થઈ ગઈ. તે નજર ઝુકાવીને સંકોચથી બોલી, "એ... ગુડ નાઈટ, મનોજ!" અને અંદર ચાલી ગઈ.

રાત્રે અઢી વાગ્યે મનોજ પોતાના બંગલે પહોંચ્યો. તેણે ગેટ બહાર ગાડી બંધ કરી બટલર કાકા પાસે હળવેથી ગેટ ખોલાવ્યો. પણ અંદર હોલના અંધારામાં વંશિકા સોફા પર જ બેઠી હતી!

વંશિકાએ લાઈટ ચાલુ કરી અને મનોજને લેટ આવવા બદલ ટોક્યો. મનોજે રોહનને મદદ કરવા ગયો હોવાનું કારણ આપ્યું.વંશિકાએ કહ્યું, "તું કરોડોની પ્રોપર્ટીનો માલિક છે અને એક કેટરિંગ વાળાને સપોર્ટ કરવા આખી રાત રોકાયો?"મનોજ ગંભીર થઈને બોલ્યો, "દીદી, આમાં પૈસાનો કે સ્ટેટસનો સવાલ નથી, એ મારો ફ્રેન્ડ છે." અને તે પોતાના રૂમમાં જતો રહ્યો.

મનોજના ગયા પછી વંશિકા સોફા પર બેસીને વિચારવા લાગી, 'આટલા હાઈ-સ્ટેટસ વાળા હોવા છતાં આ છોકરો કેટરિંગમાં અંદર પરસેવો પાડી રહ્યો છે... આનામાં ક્યારે સમજણ આવશે!' પણ પછી તરત જ તેના ચહેરા પર હળવી સ્માઈલ આવી ગઈ. તેણે મનોમન વિચાર્યું, 'કંઈ વાંધો નહીં... તું આ બધું જાનવીના હિસાબે જ કરી રહ્યો છે ને! તું મારો નાનો ભાઈ છે, તો તારા પ્રેમને પામવામાં હું તારી મદદ જરૂર કરીશ.'

એટલું વિચારી વંશિકા શાંતિથી ઊભી થઈ અને પોતાના રૂમમાં જતી રહી.

(એપિસોડ ૨૮ સમાપ્ત)