કૃષ્ણ : અર્જુન તારા માટે હું "શાસ્ત્રોક્ત" વિસ્તાર નું વર્ણન કરું છું. શાસ્ત્ર ના વચન ને જો તું પ્રમાણ ભૂત માનતો હોય તો સાંભળ " હું સર્વે નો ઇશ્વર,અજન્મા અને અવિનાશી છું... મહર્ષિઓ દ્વારા આચરવા માં આવેલ તમામ સદગુણો મારા થી જ ઉત્પન્ન જાણ.
હું મહર્ષિ ઓ નો પણ આદિ અને સર્વે કારણો નું પરમ કારણ છું.. હું સર્વ ના હૃદયમાં રહેલો આત્મબોધ છું.. અને મારા સ્વરૂપો તેમ જ વિભૂતિઓ નું ચિંતન આ આત્મબોધ ને પ્રગટ કરવા માં સહાયક છે.
અર્જુન : હે પરમ ધામ ,હે પરમેશ્વર તમે જ તમારી વિભૂતિઓ વિશે જાણકારી આપવા યોગ્ય છો.. તમે કૃપા કરીને વિસ્તાર પૂર્વક તમારા સ્વરૂપો વિશે જણાવો.
કૃષ્ણ : હે પૃથાપુત્ર, "વેદો,"પુરાણો," શાસ્ત્ર માં વર્ણવેલ મારો વિસ્તાર અનંત છે છતાંય હજી સાંભળ , હું સમસ્ત તેજો નું પરમ તેજ છું.., હું જ ભૂત ,ભવિષ્ય અને વર્તમાન છું,હું સૂર્ય ,અને તારાઓનો સ્વામી ચંદ્રમાં છું. હું વિષ્ણુ છું, વાયુઓ ની ગતિ તેમ જ પ્રકાશ છું. વેદો માં સામવેદ, દેવો માં ઇન્દ્ર, ઇન્દ્રિયો ને મોહિત કરનાર મન અને શરીર માં વાસ કરનારી પ્રાણ ઉર્જા છું. હું રુદ્રો માં શંકર, યક્ષ રાક્ષસી જનો માં ધન નો સ્વામી કુબેર, વસુ માં અગ્નિ, પર્વત માં સુમેરુ, પુરોહિતો માં ગુરુ,સેનાઓ ના અધિપતિ કાર્તિકેય, જળાશયો માં સમુદ્ર, મહર્ષિઓ માં ભૃગુ, જપ યજ્ઞ, શબ્દો માં ૐ ,હિમાલય,પીપળો, ગાંધર્વ ચિત્રરથ, નારદ ,કપિલ મુનિ પણ તું મને જાણ... આ સિવાય હાથી,ઘોડા,શસ્ત્ર, ગાયો,સર્પો,નાગો, જળચરો, મૃગ,સિંહ તેમ જ મનુષ્યો અને પિતૃઓ માં જે કાઈ પણ તને ખબર છે ,તે તું મારું જ સ્વરૂપ જાણ.. હું જ યમરાજ ,હું જ સમય , હું જ ગંગા અને શસ્ત્ર ધારણ કરનાર માં રામ હું જ છું.
હું જ બ્રહ્મવિધ્યા અને સંવાદ માં નિર્ણાયક વાદ છું. હું વ્યાકરણ માં અક્ષર, છંદ અને સમાસ છું, મૃત્યુ ,મહાકાલ તથા સ્ત્રીઓ દ્વારા પ્રાપ્ત થતા ઈચ્છીત ભોગ જેવા કે સૌભાગ્ય, પ્રતિષ્ઠા, વિવેક, યાદશક્તિ, મધુર વાણી, ધૈર્ય અને ક્ષમા તેમ જ સંતતિ ઉત્પત્તિ નો હેતુ પણ છું.
છળ કપટ માં ભાગ્ય ના ભરોસે લગાડેલો દાવ, તેમ જ વિજય તથા દૃઢ નિશ્ચય અને સત્વ તું મને જ જાણ. કવિઓ માં શુક્રાચાર્ય છું. હું જ દંડ,નીતિ,મૌન, તત્વજ્ઞાન,શક્તિ ,કાંતિ અને ઐશ્વર્ય છું.
આ મારા વિશે પુરાતન શાસ્ત્રો નો મત છે..
તથા જો તું આ જ દૃષ્ટિ થી વિચારે તો આજના સમય માં મુનિઓ માં વેદવ્યાસ તું મને જ જાણ, વૃષ્ણિવંશીઓ માં વાસુદેવ એટલે તારો સખા કૃષ્ણ અને પાંડવો માં અર્જુન એટલે કે તું પોતે જ... પોતાને મારું જ સ્વરૂપ જાણ..
હવે "શાસ્ત્રો" ના સંદર્ભ માં આનાથી વધુ તો શું જાણવા યોગ્ય છે..?
અર્જુન : તમારા મુખેથી શાસ્ત્ર માં રહેલા પરમ ગોપનીય રહસ્યો જાણીને મારું અજ્ઞાન નષ્ટ થયું છે.. મેં તમારી પાસે થી બ્રહ્મા ની રચેલ સૃષ્ટિ ના આરંભ તેમ જ અંત ને વિસ્તાર પૂર્વક સમજી લીધો અને હે કમળ નયન મેં તમારી પાસે એ અવિનાશી "અક્ષર" સ્વરૂપ નો મહિમા પણ જાણ્યો. આ સિવાય પણ તમે જે પણ કાઈ કહ્યું એ તમે જ છો .... પરંતુ જો તમે જે કહ્યું એ પ્રમાણે નું ઐશ્વર્ય ,બળ અને તેજ થી યુક્ત સ્વરૂપ મારા દ્વારા જોઈ શકાય તેવું હોય તો મને તેનું દર્શન કરાવો.
કૃષ્ણ : શાસ્ત્ર વિદિત સર્વ વિભૂતિઓ અને જે કાઈ પણ તું જોવા ઇચ્છે છે એ હમણાં જ તારી સમક્ષ વ્યક્ત થઈ શકે તેમ છે.... પણ શરીર થી બંધાયેલ ચર્મ ચક્ષુ વડે આ સ્વરૂપ જોવું અશક્ય છે.. માટે હું તને મારા અવકાશ બોધ રૂપી દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરું છું.. જેથી તું મારી શાસ્ત્ર સંમત યોગશક્તિ ને જોઈ શકે.
સંજય : હે મહારાજ, આટલું કહી ને શ્રીકૃષ્ણ મહારાજે અર્જુન ની આંખ સામે જોયું અને પોતાના હાથ નો અંગુઠો અર્જુન ની બન્ને ભ્રુકુટી ની વચ્ચે મૂક્યો.. ત્યાર બાદ એક પરમ તેજોમય દિવ્ય પ્રકાશ માં વિકરાળ મુખો વાળું ,મહા ભયંકર અને સર્વે દિશાઓ માં મુખો વાળું સર્વે પૂર્વે કહેલ તેમ જ ન કહેલ વિભૂતિયુક્ત સ્વરૂપ દેખાયું..
અર્જુન તો જાણે ભયભીત થઈ ને થર થર કાપવા લાગ્યો અને વિશ્વરૂપ ભગવાન ની અલગ અલગ રીતે સ્તુતિ કરવા લાગ્યો.. અને એ દિવ્ય સ્વરૂપ નો પરિચય અને પ્રયોજન પૂછવા લાગ્યો.. આ સાંભળી વિશ્વરૂપ બોલ્યા...
વિશ્વરૂપ ભગવાન: "હું આ સમયે યુદ્ધ ભૂમિ માં જીવન ચક્ર ના સંતુલન માટે પ્રકૃતિ ના ગુણો થી ભ્રમિત થયેલા યોદ્ધાઓ ના અંત નો નિશ્ચય લઈને ઊભો મહાકાળ છું.. " આ શક્તિ અને ગર્વ થી અંધ થયેલા પ્રતિપક્ષ ના વિવિધ યોદ્ધા મારા દ્વારા પહેલે થી જ નિષ્પ્રાણ થઈ ગયા છે.. તારે તો ફક્ત એક યોદ્ધા તરીકે મારી લીલા ના નિમિત્તે કર્મ કરવા નું છે.. માટે પરાજય નો ભય છોડ અને ઊભો થઈ ને યુદ્ધ કર. જો તું આ યુદ્ધ નહી કરે તો પણ આ યોદ્ધાઓ મારી લીલા દ્વારા મૃત્યુ પામવાના જ છે.. માટે પોતાના કર્તવ્ય નું પાલન કર..
સંજય: વિશ્વરૂપ ભગવાન પાસે થી આ પ્રમાણે આદેશ સાંભળી ને ફરી થી અર્જુન થર થર કાપી ને હાથ જોડી ને વિવિધ પ્રકારે સ્તુતિ કરવા લાગ્યો અને વિશ્વરૂપ ભગવાન ને ચતુર્ભુજ નારાયણ ના દર્શન કરાવવા ની પ્રાર્થના કરવા લાગ્યો.
અર્જુન ની પ્રાર્થના થી વિશ્વરૂપ ભગવાને પોતાનું મહા ભયંકર સ્વરૂપ સંકેલી લીધું અને ચતુર્ભુજ સ્વરૂપે અર્જુન સમક્ષ પ્રકટ થયા.. અને અર્જુન ને કૃપાયુક્ત વચનો થી બોલ્યા..
નારાયણ : હે અર્જુન, તારી ઈચ્છા થી મેં મારું આ સ્વરૂપ બતાવ્યું છે.. પરંતુ સમજી લે કે આ સ્વરૂપ મારા પારાયણ રહી ને કર્મો કરતા ભક્ત માટે જ જોવું શક્ય છે.. આ સર્વે શાસ્ત્રોક્ત કર્મકાંડી પૂજા ,પાઠ કે યજ્ઞનો સંકલ્પ લેવાથી પણ આ રૂપ દેખાતું નથી.. ફ્કત સ્વભાવ ગત કર્મ કરનાર યોગી જ મને આ સ્વરૂપે પામી શકે છે.
તારી શાસ્ત્ર અને તેમાં વર્ણિત વિભૂતિઓ માં શ્રદ્ધા છે પણ જ્યાં સુધી તું આ વિભૂતિઓ ના ગુણો નું ચિંતન નહિ કરે ત્યાં સુધી તને યથાર્થ દર્શન પ્રાપ્ત નહી થાય.
અને ગુણો નું ચિંતન કરવા માટે પ્રેમ રૂપા ભક્તિ સર્વોચ્ચ નિષ્ઠા છે.. હવે હું તને ભક્તિ યોગ ના સંદર્ભ માં બોધ પ્રાપ્ત કરાવનારું દર્શન કહીશ.