Back in the days - 19 in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | પાછા વળ્યા પાછલા દિવસો - 19

The Author
Featured Books
Categories
Share

પાછા વળ્યા પાછલા દિવસો - 19

એપિસોડ ૧૯

સગાઈનો રંગેચંગે સંપન્ન થયેલો ભવ્ય પ્રસંગ હવે ધીમે-ધીમે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો હતો. હોલમાંથી મહેમાનોની ચહલપહલ ઓછી થઈ રહી હતી. સગાઈની તમામ વિધિઓ અને જમણવાર પૂરો થતાં જ વિદાયની વેળા આવી પહોંચી. સુમિતના માતા-પિતા અને તેના કાકા વિદાય લેતી વખતે જાનવી, શ્રદ્ધા અને તેમના આખા પરિવારના મુક્ત મને વખાણ કરી રહ્યા હતા.

સુમિતના પિતાજીએ ખૂબ જ પ્રસન્નતાપૂર્વક જાનવીનો હાથ પોતાના હાથમાં લીધો અને ગદ્ગદિત થઈને કહ્યું, "જાનવી દીકરી, આજે તેં જે રીતે આખી વ્યવસ્થા સંભાળી છે તે ખરેખર વખાણવા લાયક છે. તારા આયોજનમાં ક્યાંય કોઈ કચાસ ન રહી. અને શ્રદ્ધા તો અમારા ઘરમાં સાક્ષાત્ લક્ષ્મીનું રૂપ બનીને આવી રહી છે. અમને આવી ગુણવંતી દીકરી વહુ તરીકે મળી તેનો અમને અપાર આનંદ છે."

જાનવીએ આદરપૂર્વક નમસ્કાર કર્યા. પરિવારના વડીલો વચ્ચે પણ આનંદ અને ભાવુકતા સાથે વિદાયની વાતો થઈ. વિદાયની તમામ પરંપરાગત વિધિઓ પૂર્ણ કર્યા પછી, શ્રદ્ધાને તેના નાના ભાઈ સાથે આગળની વિધિ - કંકુ પગલાં અને પગફેરા માટે સુમિતના ઘરે જવા વિદાય આપવામાં આવી.

બધા મહેમાનો અને શ્રદ્ધા ગાડીમાં બેસીને રવાના થયા, એટલે જાનવીએ ઊંડો શ્વાસ લીધો. તે પોતાની ખાસ બહેનપણી સેજલ પાસે ગઈ. જાનવીના ચહેરા પર અતિશય થાક દેખાતો હતો. તેણે સેજલને કહ્યું, "સેજલ, ચાલ આપણે પહેલાં ચેન્જિંગ રૂમમાં જઈને આ ભારે વસ્ત્રો બદલી લઈએ. અહીં હજુ બધું સમેટવાનું અને બધા વેન્ડર્સનું પેમેન્ટ ચૂકવવાનું બાકી છે. હું ચેન્જિંગ રૂમમાંથી જે પણ વધારાનો સામાન, દાગીના અને કિંમતી કપડાં તને સોંપું, તે તું આપણા રિલેટિવની ગાડી બહાર જ પાર્ક છે તેમાં મૂકીને સીધી ઘરે પહોંચાડી દેજે. તું ત્યાંથી જ ઘરે જતી રહેજે, હવે તારે પાછા અહીં આવવાની જરૂર નથી. બાકીનું બધું હું અને મનોજ સંભાળી લઈશું."

બંને જણા ચેન્જિંગ રૂમમાં ગયા. જાનવીએ બધો સામાન અને પોતાના દાગીના-કપડાં વ્યવસ્થિત બેગમાં પેક કરીને સેજલને સોંપ્યા. સેજલ રિલેટિવની ગાડી લઈને સીધી ઘરે જવા રવાના થઈ ગઈ.

કટ ટુ:

બીજી તરફ, શ્રદ્ધા અને તેનો ભાઈ સુમિતના આલીશાન બંગલે પહોંચ્યા. આ બંગલો કોઈ ભવ્ય હવેલીથી કમ નહોતો. મુખ્ય દરવાજાથી લઈને અંદર ડ્રોઈંગ રૂમ સુધી નોકર-ચાકરોએ સ્વાગતની ભવ્ય અને રોયલ તૈયારીઓ કરી રાખી હતી. પ્રવેશદ્વારથી છેક અંદર સુધી તાજા ગુલાબ અને ગલગોટાના ફૂલોની પંક્તિઓ પાથરેલી હતી અને તેની ઉપર કંકુ પગલાં માટે શ્વેત કોરાં રેશમી વસ્ત્રો પાથરેલાં હતાં. દ્વાર પર કંકુનું મિશ્રણ તૈયાર રાખવામાં આવ્યું હતું.

સુમિતના મમ્મી પોતે હાથમાં મંગળ આરતીની થાળી લઈને સામે આવ્યા. તેમણે શ્રદ્ધા અને તેના ભાઈની ખૂબ જ ભાવપૂર્વક આરતી ઉતારી, કંકુ-ચાંદલો કર્યો અને અક્ષત ચોડ્યા.

સુમિત પણ ચહેરા પર મધુર સ્મિત સાથે આગળ આવ્યો અને બોલ્યો, "શ્રદ્ધા, તું તો અમારા ઘરની સાક્ષાત્ લક્ષ્મી છો. આ કોરાં વસ્ત્રો પર તારા કંકુ પગલાં પાડીને અમારા ઘરમાં શુભ પ્રવેશ કર."

શ્રદ્ધાએ શરમાતાં શરમાતાં થાળીમાં પોતાના પગ બોળ્યા અને શ્વેત વસ્ત્ર પર કંકુના પગલાં પાડતાં અંદર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશતાં જ શ્રદ્ધાની નજર ડ્રોઈંગ રૂમની અદ્ભુત ભવ્યતા, છત પરથી લટકતા મોટા ઈટાલિયન ઝુમ્મરો અને રોયલ ઈન્ટિરિયર પર થંભી ગઈ.

સુમિતના મમ્મી શ્રદ્ધા અને તેના ભાઈને સુમિતના સ્વર્ગસ્થ પિતાની મોટી તસવીર પાસે લઈ ગયા. ત્યાં સુંદર ફૂલહાર ચડાવેલા હતા. શ્રદ્ધાએ શ્રદ્ધાપૂર્વક પુષ્પ અર્પણ કર્યા અને ભાવુક થઈને તેમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા.

ત્યારબાદ સુમિતના મમ્મીએ શ્રદ્ધાના નાના ભાઈને સોફા પર બેસાડીને ચા-પાણી પૂછ્યા અને પોતાની સાથે વાતોમાં પરોવ્યો. પછી તેમણે સુમિત તરફ જોઈને કહ્યું, "સુમિત, તું શ્રદ્ધાને આપણું આખું ઘર બતાવી લાવ."

સુમિત શ્રદ્ધાને પહેલા પોતાના ભવ્ય અને આકર્ષક બેડરૂમ તરફ લઈ ગયો. બેડરૂમનું સુંદર વાતાવરણ જોઈને શ્રદ્ધા થોડી ઝંખવાઈ ગઈ અને શરમાઈને પોતાની નજર નીચે કરી લીધી. સુમિત તે પછી તેને પોતાના પર્સનલ સ્ટડી રૂમમાં લઈ ગયો.

સ્ટડી રૂમમાં પુસ્તકોનો બહોળો ખજાનો, ચારેય બાજુ ગોઠવાયેલી ચેસની ટ્રોફીઓ અને નેશનલ લેવલના સર્ટિફિકેટ્સ જોઈ શ્રદ્ધા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પૂછ્યું, "તમને વાંચનનો અને રમતોનો આટલો બધો શોખ છે? આટલી બધી બુક્સ!"

સુમિતે પૂર્ણ આત્મવિશ્વાસથી કહ્યું, "હા શ્રદ્ધા, મને વાંચવું ખૂબ ગમે છે. હું હંમેશાં દરેક ક્ષેત્રમાં અવ્વલ જ આવ્યો છું. હારવું કે પાછળ રહેવું મને જરાય પસંદ નથી. હું ચેસનો પણ ચેમ્પિયન રહ્યો છું."

વાત કરતાં કરતાં સુમિત ધીમેથી શ્રદ્ધાની નજીક આવ્યો. તેણે શ્રદ્ધાની આંખોમાં આંખો પરોવી અને તેનો હળવો, નરમ હાથ પોતાના હાથમાં લીધો. શ્રદ્ધાના દિલના ધબકારા એકાએક વધી ગયા અને તેની પલકો શરમથી નમી ગઈ. સુમિતે તેના ચહેરા પરથી લટ હટાવીને કાન પાછળ સરકાવી અને પ્રેમથી તેનો ચહેરો હાથમાં લીધો.

સુમિતે અત્યંત મધુર સ્વરે કહ્યું, "આ બધી સીદ્ધિઓ, ટ્રોફીઓ કે પુસ્તકો મારા માટે ત્યારે જ અર્થપૂર્ણ બનશે જ્યારે તું મારી સાથે હોઈશ." તેણે શ્રદ્ધાના માથા પર હળવી કિસ કરી. શ્રદ્ધા શરમાઈને સુમિતના છાતી સાથે વળગી ગઈ. સુમિતે તેને પોતાની મુખ્ય રિવોલ્વિંગ ચેર તરફ દોરી અને આદરપૂર્વક બેસાડતાં કહ્યું, "આજથી આ ઘર, આ સ્થાન અને મારા જીવન પર માત્ર ને માત્ર તારો હક છે. તું આ ઘરની માલિકણ છો." શ્રદ્ધા પ્રેમ, ગર્વ અને રોમાંચથી સુમિત સામે જોઈ રહી.

કટ ટુ:

આ બાજુ, ચેન્જિંગ રૂમમાંથી સાદા અને આરામદાયક કપડાં પહેરીને જાનવી હોલમાં પાછી આવી. તે હોલ, સ્ટેજ, લાઈટિંગ અને મંડપમાં ચારેય બાજુ ફરીને દરેક વસ્તુનો ઝીણવટભર્યો હિસાબ-કિતાબ તપાસવા લાગી – કોઈ વસ્તુને નુકસાન (ડેમેજ) થયું છે કે નહીં, કઈ વસ્તુઓ પાછી સોંપાઈ ગઈ છે અને શું બાકી છે.

સવારથી સતત ઊંચા હીલ્સમાં દોડધામ કરવાને કારણે હવે જાનવીના પગ અસહ્ય રીતે દુખી રહ્યા હતા. તેનાથી હવે એક મિનિટ પણ ઊભું રહેવાય તેમ નહોતું, તે માંડ માંડ ચાલી શકતી હતી. તેણે પોતા તરફનો આખો હિસાબ પૂરો કરી લીધો હતો. થાક અને દર્દથી બેહાલ થયેલી જાનવી માંડ પગ ઢસડતી મેરેજ હોલના પાછળના ભાગમાં આવેલા સ્વિમિંગ પૂલ તરફ ગઈ. તે પૂલના કિનારે બેસી ગઈ અને પોતાના અતિશય દુખતા બંને પગ ઠંડા પાણીમાં બોળીને આંખો બંધ કરી ગઈ. પાણીના સ્પર્શથી તેને થોડી રાહત મળી.

બીજી તરફ, મનોજ પોતે અલગથી કેટરિંગવાળા, સાઉન્ડવાળા અને ડેકોરેશન વાળાનો નાણાકીય હિસાબ પતાવવામાં વ્યસ્ત હતો. કેટરિંગવાળા સાથેનો છેલ્લો હિસાબ ચુકવી, બધા બિલ પોતાના પાઉચમાં સાચવીને મૂકતી વખતે તેણે ચારેય બાજુ નજર ફેરવી કે જાનવી ક્યાં છે. તેને જાનવી દૂર સ્વિમિંગ પૂલ પાસે એકલી બેઠેલી દેખાઈ. મનોજે જોયું કે જાનવી થાકથી ચૂર થઈ ગઈ છે.

મનોજ નજીકના ટેબલ પર પડી રહેલી પાણીની સીલપેક બોટલોમાંથી એક બોટલ ઉપાડીને ધીમા પગલે સ્વિમિંગ પૂલ તરફ ચાલવા લાગ્યો.

મનોજ જાનવી પાસે પહોંચ્યો અને તેનાથી થોડો દૂર જઈને બેસી ગયો. તેણે હિસાબનું પાઉચ બાજુમાં રાખ્યું અને હળવેથી મીઠા સ્વરે કહ્યું, "જાનવી, આમાં બધાં બિલ અને આખા પ્રસંગનો હિસાબ છે... તું બહુ થાકેલી દેખાય છે, શું તને તરસ લાગી છે?"

જાનવીએ થાકેલી આંખો ખોલીને મનોજ સામે જોયું. મનોજે સીલપેક પાણીની બોટલનું ઢાંકણું ખોલીને તેની તરફ લંબાવી અને કહ્યું, "લે, થોડું પાણી પી લે."

જાનવીએ કાંઈ પણ બોલ્યા વગર બોટલ હાથમાં લીધી અને ગળા નીચે પાણીના ઘૂંટડા ઉતારવા લાગી. જાનવી પાણી પીતી હતી ત્યારે મનોજ અજાણતાં જ એકીટશે તેની સામે જોઈ રહ્યો. જાનવીના ગળામાંથી પાણીનો ઘૂંટડો ધીમે-ધીમે નીચે ઉતરી રહ્યો હતો અને મનોજની નજર અજાણતા જ તેના ગળાની હિલચાલ પર અટકી ગઈ.

અચાનક જાનવીની નજર મનોજ પર પડી. મનોજને તરત જ ભાન થયું કે તે શું કરી રહ્યો હતો, એટલે તેણે ઝટ દઈને પોતાની નજર ફેરવી લીધી અને આજુબાજુ જોવા લાગ્યો. જાનવીને મનોજના આ અચાનક બદલાયેલા ચહેરાના હાવભાવ પર થોડી શંકા ગઈ, પણ તે કશું બોલી નહીં અને ગંભીર રહી.

થોડી ક્ષણોની મૌન પછી જાનવીએ પૂછ્યું, "બધું કામ શાંતિથી અને વ્યવસ્થિત પતી ગયું, નહીં મનોજ?"

મનોજે સ્મિત સાથે જવાબ આપ્યો, "હા જાનવી, પણ એમાં તારી અથાક મહેનત હતી. તું છેલ્લા બે-ત્રણ દિવસથી એક પણ ક્ષણ શાંતિથી બેઠી નથી. હવે તું બે-ત્રણ દિવસ ઘરે સરખો આરામ કરજે."

જાનવી થોડી હસી પડી, "અરે આરામ ક્યાંથી મળે મનોજ? છેલ્લા બે-ત્રણ દિવસથી બાળકોના ટ્યુશન નથી લીધાં. કાલથી તો સવારથી જ પાછું ટ્યુશનના કામમાં લાગી જવું પડશે!"

મનોજે ચિંતાપૂર્વક કહ્યું, "જે હોય તે, પણ આજે તો તું બહુ થાકેલી છે. ચાલો, હું તને મારી કારમાં ઘરે મૂકી જાઉં."

જાનવી ઊભી થવા ગઈ પણ તેના પગ એટલા દુખતા હતા કે તે ઊભી થતાં જ લથડાઈ. મનોજે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત જ પોતાનો હાથ લંબાવીને જાનવીનો હાથ પકડી લીધો અને તેને સંભાળીને ઊભી કરી. મનોજના સ્પર્શમાં એક અનોખી હૂંફ અને આદર હતો.

બંને જણા હોલની બહાર આવ્યા. મનોજે આદરપૂર્વક જાનવી માટે કારનો દરવાજો ખોલ્યો અને તેને અંદર બેસાડી.

દરમિયાન, રોડની બીજી તરફ પોતાની કારમાં છૂપાઈને બેઠેલો જતીન આ બધી જ ઘટનાઓ જોઈ રહ્યો હતો. જાનવીનો માત્ર એક સામાન્ય એકાઉન્ટન્ટ અને ક્લાર્ક હોવા છતાં, મનોજ જાનવીની આટલો બધો નજીક કેમ છે? જતીનના મનમાં ઈર્ષા અને નફરતની આગ ભડકે બળી રહી હતી.

મનોજે કાર ચાલુ કરી અને જાનવીને તેના ઘરે મૂકવા નીકળ્યો. જતીને તરત જ પોતાની કાર તેમની કારની પાછળ પાછળ દોડાવી.

થોડી વારમાં મનોજ જાનવીના ઘર પાસે પહોંચ્યો. કાર ઊભી રાખીને મનોજે કહ્યું, "હવે તું ઘરમાં જઈને સોડા કે ગરમ પાણીથી પગ ધોઈ લેજે અને થોડો આરામ કરી લેજે."

જાનવીએ કારમાંથી ઉતરતા પહેલાં મનોજ સામે જોયું. તેની આંખોમાં મનોજ પ્રત્યે માન અને ભાવુકતા હતી. જાનવી બોલી, "મનોજ, આજે જો તું સાથે ન હોત તો હું આટલું બધું કામ ક્યારેય એકલી પતાવી ના શકી હોત. તું મારી દરેક નાની-મોટી વાતનું આટલું ધ્યાન રાખે છે, મારી ચિંતા કરે છે... તેં પણ આખો દિવસ જરાય આરામ નથી કર્યો. તું તો માત્ર મારો એક દોસ્ત છે, છતાંય તેં મારો એક ભાઈ કે પરિવારના સભ્યથી પણ વધારે સાથ આપ્યો છે. હું તારો અહેસાન નહીં માનું, કારણ કે જો હું તને 'થેન્ક્યુ' કહીશ તો તને ગમશે નહીં... પણ સાચું કહું તો, તારા જેવા પ્રામાણિક અને સમજદાર માણસનો સાથ મળવો એ મારી બહુ મોટી સદનસીબી છે."

મનોજ જાનવીના આ વખાણ સાંભળીને અંદરથી ખૂબ ખુશ થયો, પણ તેણે માત્ર એક હળવું અને આદરભર્યું સ્મિત આપ્યું.

બીજી તરફ, થોડે દૂર પોતાની કારમાં બેઠેલો જતીન મનોજ અને જાનવીને આટલા નજીકથી વાતો કરતા જોઈને ગુસ્સાથી ઉકળી રહ્યો હતો અને સ્ટીયરીંગ પર મુક્કા મારીને મનોજને બરબાદ કરવાના વિચાર કરી રહ્યો હતો.ક્રમશ......