Back to the past days in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | પાછા વળ્યા પાછલા દિવસો - 26

The Author
Featured Books
Categories
Share

પાછા વળ્યા પાછલા દિવસો - 26

:એપિસોડ ૨૬: વંશિકાની પારખુ નજર, જતીનની અણગમતી ઓફર અને સેજલની મક્કમ શિખામણ

મેનેજર કાકાના કહેવાથી જાનવી ધીમા પગલે વંશિકાની કેબિનમાં દાખલ થઈ. વંશિકા અત્યંત ગંભીર અને પ્રોફેશનલ અંદાજમાં પોતાની ચેર પર બેઠી હતી. તેણે જાનવીને બેસવાનો ઈશારો કર્યો અને તેના રિઝ્યુમે પર નજર ફેરવવા લાગી.

વંશિકાની તીક્ષ્ણ નજર ક્ષણવારમાં જાનવીની કોલેજના નામ પર અટકી. જોકે, તેણે પોતાના ચહેરા પરનો કોઈ ભાવ બદલાવા ન દીધો. વંશિકાએ અત્યંત ઠંડકથી જાનવી સામે જોયું અને મનોજનો સહેજ પણ ઉલ્લેખ કર્યા વગર માત્ર કોલેજના અભ્યાસ, પ્રોજેક્ટ્સ અને જાનવીની કામ કરવાની ક્ષમતા વિશે જ બિઝનેસને લગતા ચતુર પ્રશ્નો પૂછ્યા. જાનવીએ પોતાના આત્મવિશ્વાસ અને તીક્ષ્ણ બુદ્ધિથી તમામ પ્રશ્નોના સ્પષ્ટ અને નીડર જવાબો આપ્યા. જાનવીની આવી સ્વાભિમાની અને પ્રોફેશનલ વર્તણૂક જોઈને વંશિકા મનોમન ખૂબ પ્રભાવિત થઈ.

જાનવી કેબિન બહાર નીકળી ગઈ. તેના જતાં જ મનોજ કેબિનમાં દાખલ થયો. વંશિકાએ મનોજ સામે જોઈને હળવા સ્મિત સાથે જાનવીના વખાણ કર્યા અને કહ્યું, "હવે મને સમજાઈ ગયું કે તારે અહીં શું કામ રોકાવું છે..."

પણ મનોજ પોતાની બહેન વંશિકાની વાત વચ્ચે જ કાપતાં ગંભીરતાથી બોલ્યો, "ના દીદી, તમે જે કારણ સમજો છો તે નથી, તે બીજું જ કંઈક કારણ છે! મારે અહીં એક મહિનો હવે રોકાવું જ પડશે. મેં કોઈકને વચન આપ્યું છે, મારે કોઈકનું ધ્યાન રાખવાનું છે અને તેને સુરક્ષિત રાખવાની છે."

વંશિકા થોડીક શંકા સાથે મનોજને જોઈ રહી. પણ તેને ખબર હતી કે મનોજ જે કંઈ કહે છે તે કારણ વગર નથી કહેતો. વંશિકા આગળ કંઈ બોલતી નથી અને મનોજની પ્રાઈવસીનું માન રાખે છે, છતાં તેના મનમાં ઊંડી શંકા જાગી ચૂકી હતી.

બીજી તરફ, જતીન એકાઉન્ટ વિભાગની એક ફાઈલ લઈને જાનવીની ડેસ્ક પાસે આવ્યો. તેણે કહ્યું, "જાનવી, આ એકાઉન્ટની ફાઈલ મેં જોઈ લીધી છે. આના પર મેનેજર સાહેબની સાઈન કરાવવાની છે, તું જરા કરાવી દેજે." જાનવીએ શાંતિથી ફાઈલ લીધી અને થોડીવાર પછી મેનેજર કાકાની કેબિનમાં ગઈ. જાનવીએ ફાઈલ ટેબલ પર મૂકતાં કહ્યું, "કાકા, આ જતીને આપેલી એકાઉન્ટની ફાઈલ છે, તમારે સાઈન કરવાની છે." મેનેજર કાકાએ કહ્યું, "ઠીક છે જાનવી, અહીં રાખી દે, હું ચકાસીને સાઈન કરી દઈશ." જાનવી "ઠીક છે" કહીને બહાર નીકળી ગઈ.

જાનવી બહાર ગઈ એટલે વંશિકાએ મનોજ સામે જોઈને પૂછ્યું, "બધું બરાબર તો છે ને? કોઈ બીજો પ્રોબ્લેમ તો નથી ને?" મનોજે પોતાના ચહેરાના હાવભાવ સામાન્ય કરવાનો પ્રયત્ન કરતાં કહ્યું, "ના દીદી, કોઈ પ્રોબ્લેમ નથી."

વંશિકાએ કહ્યું, "ઠીਕ છે, હું મારી કેબિનમાં જાઉં છું. તારે કોઈ કામ હોય કે મૂંઝવણ હોય તો મારી પાસે આવજે." પોતાની કેબિનમાં પહોંચીને વંશિકાએ તરત જ મેનેજર કાકાને ફોન કરીને અંદર બોલાવ્યા. વંશિકાએ જતીન અને જાનવી વિશે પૂછપરછ શરૂ કરી. મેનેજર કાકાએ જણાવ્યું, "મેડમ, જતીન કોકની લાગવગથી આ ઓફિસમાં જોઈન્ટ થયો છે, અને જાનવીને સુમિત શેઠના કાકાએ રીફર કરી છે."

વંશિકાએ વિચારતાં કહ્યું, "ઠીક છે, મને આ બંને વિશે થોડી વધુ જાણકારી આપો અને એમનો મનોજ સાથે શું સંબંધ છે તે પણ જરા તપાસ કરો." મેનેજર કાકાએ કાલે બધી માહિતી આપવાનું વચન આપ્યું.

આ બાજુ મનોજ મનોમન મુંઝાઈ રહ્યો હતો કે આ એક જ ઓફિસમાં રહીને જાનવીને ખબર ન પડે એમ તેનાથી દૂર કેવી રીતે રહેવું અને જતીનથી તેનું ધ્યાન કેમ રાખવું. સાંજ પડવા આવી એટલે જતીન ફરીથી જાનવી પાસે પહોંચ્યો અને હસીને બોલ્યો, "જાનવી, શું તું મારી સાથે ડિનર માટે આવીશ?" જાનવીએ ક્ષણનો પણ વિચાર કર્યા વગર સખત અવાજે ના પાડી દીધી.

ઉપરથી મનોજે આ દ્રશ્ય જોયું. તેણે તરત જ સેજલને ફોન લગાવ્યો અને બધી વાત કહીને મદદ માટે બોલાવી લીધી, "સેજલ, તું અત્યારે જ ઓફિસ છૂટે એ પહેલાં અહીં આવી જા અને જાનવીને તારી સાથે લઈ જા." સેજલે મનોજને આશ્વાસન આપ્યું કે તે તરત જ પહોંચી રહી છે.

ઓફિસ પૂરી થવાના સમયે સેજલ સમયસર પહોંચી ગઈ અને જાનવીને પોતાની સાથે લઈ જવા લાગી. ઉપલા ફ્લોરથી મનોજે જાનવીને સેજલ સાથે સુરક્ષિત બહાર નીકળતી જોઈને માત્ર એક રાહતનો શ્વાસ લીધો. પણ તેની બાજુમાં ઊભેલી વંશિકા મનોજના ચહેરાના બદલાતા હાવભાવ ખૂબ તીક્ષ્ણ નજરથી નોંધી રહી હતી.

વંશિકાએ તરત જ પૂછ્યું, "આ સેજલ અહીં આપણી ફર્મમાં શું કરી રહી છે?"

મનોજે પોતાની આંખોના ભાવ વંશિકા પકડી ન પાડે તે માટે તરત જ પોતાની નજર બીજી તરફ ફેરવી લીધી અને વાત બદલતા કહ્યું, "મને નથી ખબર, આવી હશે કોઈ કામ માટે."

વંશિકાએ હળવું સ્મિત કરતાં કહ્યું, "એમ કઈ કામ માટે આવી હોય અને એ તને મળવા ઉપર ન આવે એવું થોડું બને? એ તો તારી કોલેજની ફ્રેન્ડ છે અને આપણા પરિવાર સાથે પણ તેના પપ્પાના સારા સંબંધો છે. નાનપણથી તને ઓળખે છે તો તને મળ્યા વગર કેમ જાય?" મનોજ કશું બોલ્યો નહીં, પણ વંશિકા મનોમન સમજી ગઈ કે નક્કી અહીં કંઈક ખીચડી પાકી રહી છે.

બીજી તરફ, સેજલ અને જાનવી સ્કૂટર પર જઈ રહ્યા હતાં. રસ્તામાં દરિયાકિનારો આવતાં સેજલે સ્કૂટર રસ્તાની પાળી પાસે ઊભું રાખી દીધું.

સેજલે જાનવી સામે જોઈને કહ્યું, "ચાલ જાનવી, આ પાળી પર બેસ, આપણે બંને થોડી વાત કરીએ. ઘરે જઈને આ વાત નહીં થઈ શકે."

બંને દરિયાની ફેણ મારતી લહેરો સામે પાળી પર બેઠા. જાનવીએ અકળાઈને કહ્યું, "સેજલ, દિવસ તો સારો રહ્યો પણ મને નહોતી ખબર કે જતીન અહીં કામ કરે છે. મને લાગે છે કે મારે આ જોબ છોડી દેવી જોઈએ."

સેજલે જાનવી સામે મક્કમ નજરે જોયું અને ગંભીર અવાજે કહ્યું, "જો જાનવી, હું તને સમજાવું છું. આવા માણસો તને જીવનમાં બધે જ મળશે, તો તું ક્યાં ક્યાં આ વસ્તુ ટાળીશ? તારે તેનો સામનો કરવાનો જ છે અને કરવો જ પડશે. જો તું આવી રીતે ભાગતી રહીશ અને સામનો નહીં કરે, તો તું જિંદગીમાં પાછળ રહી જઈશ. તારે તેનો સામનો કરવો જ પડશે."

સેજલે જાનવીનો હાથ પોતાના હાથમાં લીધો અને આગળ સમજાવતાં કહ્યું, "મક્કમતાથી ના પાડતા શીખો, તો જ આગળ વધાય! આપણી મરજી વગર આપણને કોઈ હાથ પણ ન અડાડી શકે કે આપણા પર કોઈ પોતાની મરજી થોપી ન શકે. એના માટે આપણે પોતે એટલું સક્ષમ બનવું પડે. આવા લોકોની શરમ રાખવાની શું જરૂર છે? ચોખ્ખા મોઢે જ ના કહી દેવાની! અને જો તોય તને વધારે પ્રોબ્લેમ થતો હોય, તો બોલ, હું પોતે જતીન સાથે વાત કરું?"

સેજલની આટલી ગંભીર અને તાકાત ભરેલી વાતો સાંભળીને જાનવી એક ક્ષણ માટે ઊંડા વિચારમાં પડી ગઈ. તેને સમજાઈ ગયું કે સેજલની વાત અક્ષરશઃ સાચી છે. પલાયનવાદથી પ્રશ્નો હલ નથી થતા.

જાનવીએ પોતાની નજરમાં એક નવો આત્મવિશ્વાસ લાવતાં મક્કમતાથી કહ્યું, "ના સેજલ, આ મારો પ્રોબ્લેમ છે અને આને હું મારી રીતે જ હેન્ડલ કરી લઈશ. હવે હું જતીનથી ડરીને પીછેહઠ નહીં કરું."

બંને જણા સ્કૂટર પર બેસીને આગળ વધ્યા.

સેજલના ચહેરા પર એક મધુર સ્મિત આવી ગયું. તેણે ઉત્સાહથી જાનવી સામે જોતાં કહ્યું, "તો ચાલ હવે! આટલી સરસ મજાની નોકરી મળી ગઈ છે, તો એક નાનકડી પાર્ટી તો તારે મને આપવી જ પડે. મને એક સરસ મજાની કોફી પીવડાવ અને સાથે સેન્ડવીચ પણ ખવડાવ! ચાલ, આપણે આપણી ફેવરિટ જગ્યાએ જઈએ."

જાનવીએ હસીને પૂછ્યું, "ફેવરિટ જગ્યા એટલે?"

સેજલે એક્સિલરેટર સહેજ આપતાં કહ્યું, "અરે! તારા ઘર પાસે જે દરિયા કિનારાવાળી કેફે છે ત્યાં જ! અહીંથી નજીક પણ છે અને તારે ઘરે જવામાં પણ મોડું નહીં થાય, તો કેમ રહેશે?"

જાનવીના ચહેરા પર ક્ષણભર પહેલાં જે ચિંતા હતી તે ગાયબ થઈ ગઈ અને એક હળવું સ્મિત આવી ગયું. તેણે ખુશ થઈને કહ્યું, "સરસ વિચાર છે, ચાલ બંને જઈએ!"

સેજલ અને જાનવી રસ્તા પરથી પસાર થઈને દરિયાકિનારે આવેલી સુંદર કેફેમાં પહોંચી. કેફેનું વાતાવરણ શાંત અને આહલાદક હતું. બહાર દરિયાના મોજાંનો ધીમો અવાજ સંભળાતો હતો. બંનેએ બારી પાસેની એક કોર્નરની ટેબલ પસંદ કરી.

સેજલે ગરમ ગરમ કોફી અને ચીઝ સેન્ડવીચનો ઓર્ડર આપ્યો. કોફીની સિપ લેતાં લેતાં સેજલે જાનવીનું મન હળવું કરવા માટે જુદા જુદા વિષયો પર વાતો કરી. જાનવીના મનમાં રહેલો દિવસભરનો થાક અને જતીનની અણગમતી હાજરીનો બોજ ધીમે ધીમે ઓગળવા લાગ્યો. થોડીવાર પહેલાં ચિંતાતુર દેખાતી જાનવીના ચહેરા પર હવે એક ખુશનુમા સ્મિત રમતું હતું. નાસ્તો પતાવીને અને થોડો ગુણવત્તાસભર સમય વિતાવીને સેજલે કેફેનું બિલ ચુકવ્યું.

ત્યારબાદ સેજલે જાનવીને તેના ઘર પાસે સુરક્ષિત રીતે ડ્રોપ કરી. જાનવીએ સેજલનો આભાર માન્યો અને હસતાં મુખે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો.

જાનવી ઘરમાં દાખલ થઈ એટલે જ તેની માં (બા) તેની પાસે આવી. મમ્મીએ વહાલથી જાનવીનો હાથ પોતાના હાથમાં પકડ્યો અને આતુરતાથી પૂછ્યું, "આજે તારો પહેલો દિવસ કેવો રહ્યો દીકરી? તને ગમ્યું કે નહીં ત્યાં?"

જાનવીએ પોતાની મમ્મીના ચહેરા પરની ચિંતા દૂર કરતાં હળવા સ્મિત સાથે કહ્યું, "હા મમ્મી, બધું જ સારું છે અને એકદમ બરાબર છે! કાંઈ ચિંતા કરવા જેવું નથી. ઓફિસ પણ ખૂબ મોટી અને સરસ છે."

દીકરીના મુખે આટલો સંતોષકારક જવાબ સાંભળીને મમ્મીના જીવમાં જીવ આવ્યો. તેમણે સ્નેહથી જાનવીના માથા પર હાથ ફેરવતાં કહ્યું, "સારું, હવે જા તું તારા રૂમમાં જઈને ફ્રેશ થઈ જા, કપડાં ચેન્જ કરી લે અને થોડોક આરામ કર. ત્યાં સુધીમાં હમણાં ડિનર તૈયાર થઈ જશે."

જાનવીએ મમ્મી સામે જોઈને પૂછ્યું, "મમ્મી, હું તમને રસોઈમાં કંઈ મદદ કરું?"

ત્યાં જ મમ્મીએ હસીને ના પાડતાં કહ્યું, "ના ના, તારે કાંઈ મદદની જરૂર નથી! શ્રદ્ધા મને મદદ કરી રહી છે. આજથી તે મને રસોઈમાં દરરોજ સાંજે મદદ કરશે. હવે તેને પણ રસોઈ શીખવી પડશે ને, પારકા ઘરે જવાનું છે તો કામ નહીં કરવું પડે?"

આ સાંભળીને જાનવી શ્રદ્ધા સામે જોઈને ખડખડાટ હસી પડી અને ટીખળ કરતાં બોલી, "ઓહો દીદી! હવે તો તમારે ફરજિયાત રસોઈ શીખવી જ પડશે!"

શ્રદ્ધાએ લોટવાળા હાથે મોં બગાડીને હસતાં હસતાં ફરિયાદ કરી, "લે સંભાળ! આ લગ્નના બહાને મમ્મી મારી પાસે ઘરના બધાં કામ કરાવશે!"

બંને બહેનો અને મમ્મી વચ્ચેની આ મીઠી નોકઝોંકથી ઘરનું વાતાવરણ એકદમ જીવંત અને ખુશખુશાલ બની ગયું. જાનવી હળવું સ્માઈલ કરતી પોતાના રૂમમાં જતી રહી.

આ તરફ રાતના આશરે દસ વાગ્યા હતા. દિવસભરની અકળામણ પછી મનોજે સેજલનો નંબર ડાયલ કર્યો. સેજલે ફોન ઉપાડતાં જ મનોજે પૂછ્યું, "સેજલ, સાંજે શું થયું? જાનવી ઠીક તો છે ને?"

સેજલે વિગતવાર વાત કરતાં કહ્યું, "હા મનોજ, જાનવી શરૂઆતમાં થોડી ગભરાયેલી હતી, પણ મેં તેને સમજાવીને મક્કમ બનીને સામનો કરવા હિંમત આપી છે. પણ મારે તને કહેવું છે કે આ જતીનનું કંઈક કરવું પડશે. જો જાનવીને રોજ જતીનનો સામનો કરવો પડશે, તો એ હેરાન થઈ જશે. તું કાં તો તેને ઓફિસમાંથી કાઢી નાખ, કે પછી તેને એટલો વ્યસ્ત કરી નાખ કે એને જાનવી પાસે જવાનો સમય જ ન મળે!"

મનોજે કહ્યું, "તારી વાત સાચી છે સેજલ. હું એને સીધો કાઢી તો ન શકું કારણ કે એના માટે કોઈ ઠોસ કારણ જોઈએ, પણ હા—હું એને કામમાં જરૂર વ્યસ્ત રાખી શકું છું. હું કાલે જ મેનેજર કાકા સાથે વાત કરીશ કે તે જતીનને બને તેટલો બિઝી રાખે."

સેજલે થોડીવાર વિચારીને કહ્યું, "મનોજ, હું તને એક વાત કહું? તારે જાનવીને કહી દેવું જોઈએ કે તું આ ઓફિસમાં કામ કરે છે અને આ ફર્મ તમારી જ છે."

મનોજે તુરંત ના પાડતાં કહ્યું, "ના સેજલ! જો જાનવીને ખબર પડશે તો તે સ્વાભિમાનના કારણે તરત જ જોબ છોડી દેશે. હું એ જોખમ નથી લેવા માગતો."

સેજલ થોડીવાર શાંત રહી અને પછી બોલી, "સારું તો તું એક કામ કર... તું એને સાચી વાત ન કે તો કાંઈ નહીં, પણ તું એવું કહી દેજે કે તું પણ આ ફર્મમાં કોઈ મોટી પોસ્ટ પર એટલે કે મેનેજર કે સિનિયર પદ પર કામ કરે છે."

સેજલનો આ વિચાર સાંભળીને મનોજ ક્ષણભર માટે ઊંડા વિચારમાં પડી ગયો. સેજલની વાતમાં લોજિક તો હતું, પરંતુ જાનવી સામે આ રીતે આવવું કેટલું યોગ્ય રહેશે તે અંગે તેના મનમાં મનોમંથન શરૂ થઈ ગયું.

તેણે સેજલને કહ્યું, "સેજલ, તારો આ વિચાર વિચારવા જેવો છે. પણ હું આ બાબતે શાંતિથી વિચારીશ. અત્યારે તો મારે જતીનને કામમાં વ્યસ્ત રાખવાનો જ રસ્તો કરવો પડશે."

સેજલે કહ્યું, "ઠીક છે, તું શાંતિથી વિચાર કર. બાકીની વાત આપણે કાલે કરીશું."

મનોજે "ગુડ નાઈટ" કહીને ફોન કટ કર્યો. ફોન મૂક્યા પછી પણ મનોજ મોડી રાત સુધી કેબિનની બારીમાંથી દેખાતી જાનવીની ડેસ્ક વિશે અને સેજલે આપેલી સલાહ વિશે જ વિચારતો રહ્યો.

(ક્રમશઃ......)